ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા માટેની તૈયારીઓની સમિક્ષા રજૂ કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત-2017 ગુજરાત કનેક્ટીંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડની થીમ સાથે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે આ સમિટને લઇને ગુજરાતમાં રોકાણ કરશે. આ ઉપરાંત 23 દેશના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત-2017ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા પ્રથમ અને ગુજરાત સરકાર દ્વારા 8-મી-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જાન્યુઆરીના પ્રારંભે તારીખ 10 થી 13 દરમિયાન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવાની દેશમાં કવાયત તેજ કરી છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત-2017ની થીમ પણ આજ રહેશે. સ્વાભાવિક રીતે ગુજરાતના પ્લેટફોર્મ પરથી દુનિયાભરના રોકાણકારોને સમગ્ર દેશમાં રોકાણ માટે આકર્ષવાનો કેન્દ્ર-રાજ્ય સરકારનો પ્રયાસ રહેશે. રાજ્ય સરકારે આ 23 દેશોને આમંત્રણ આપ્યું છે અને 8 દેશો આ સમિટના પાર્ટનર કન્ટ્રી પણ બન્યા છે.
આ વખતે પહેલીવાર નોબલ પારિતોષક વિજેતા મહાનુભવોનો પરિસંવાદ યોજાશે. જેમાં સહભાગી થવા અત્યારસુધી 12 વિજેતાઓની સહમતી આવી ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયન્સ સીટી ખાતે યોજાનારા આ પરિસંવાદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકાશે, જેનો મુખ્ય હેતું વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્ચ્યુન 500 કંપનીના સીઇઓ સાથે ગ્લોબલ સીઇઓ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ખાદી ફોર નેશનની થીમ સાથે ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને આ ગ્લોબલ પ્લેટફોર્મથી ખાદીનો વ્યાપ વધારી શકાય.
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને લઇને વિપક્ષે હંમેશા સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે તેમ છતાં રાજ્ય સરકારનો દાવો છે કે અત્યાર સુધીના 7 વાઇબ્રન્ટ સમિટમાં થયેલા અંદાજે 65 ટકા એમઓયુ અમલીકરણ તરફ આગળ વધ્યા છે. આજ કારણોને ધ્યાનમાં રાખીને સરકાર હજુ પણ વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનોને યથાવત રાખી રહી છે. આ વખતની સમિટ ગત વર્ષો કરતા અલગ બને તે માટે સરકારનો પૂરો પ્રયાસ રહેશે.