Presidential Election 2022 :  રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગનું રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ક્રોસ વોટિંગના દાવા કરવામાં આવ્યાં હતા. અને આજે મતદાનના દિવસે આ અંગેના સમાચારો પણ સામે આવ્યા છે. ગુજરાતમાં એક ધારાસભ્યએ પાર્ટીના નિર્ણય  વિરુદ્ધ જઈ મતદાન કર્યું છે અને NDAમાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. 


MLA કાંધલ જાડેજાએ  પાર્ટી વિરુદ્ધ જઈ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને આપ્યો મત
રાષ્ટ્ર્રપતિ ચૂંટણીમાં મતદાન પહેલા ગઈકાલે ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગના દાવા કર્યા હતા. આજે મતદાનના દિવસે સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાતમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. NCP એ UPAનો ભાગ છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું. 


ઉલ્લેખનીય છે કે  NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ પહેલા પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. 




ઓડિશામાં કોંગ્રેસ MLAએ કર્યું ક્રોસ વોટિંગ 
ઓડિશામાં કોંગ્રેસ MLA મોહમ્મદ મોકીમેં ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. ન્યુઝ એજેન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, “ હું કોંગ્રેસનો ધારાસભ્ય છું પરંતુ મેં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. આ મારો અંગત નિર્ણય છે કારણ કે મેં મારા હૃદયની વાત સાંભળી છે જેણે મને જમીન માટે કંઈક કરવા માર્ગદર્શન આપ્યું છે અને તેથી જ તેમને મત આપ્યો છે.”


આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ - AIUDF
આસામમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ - AIUDFમાં ધારાસભ્ય કરીમ ઉદ્દીન બરભુઇયાએ દાવો કર્યો છે કે આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા છે. AIUDFના આ દાવાથી આસામના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.