અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.




ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.



ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.



તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝિટિવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણપણે સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને દરરોજ કોર કમિટીની બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજ રીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.



તેમણે ઉમેર્યું હતું કે, પોઝિટિવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોય તો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ 2761 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં 1061 સરકારી સંસ્થામાં અને 1761 ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એન.જી.ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઈ છે.



ડો. રવિએ ઉમેર્યું કે, દેશના તમામ રાજ્યોને માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ) સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઈ છે એ માટે જે રાજ્યોનું ઈન્ડેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઈ રહી છે. આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઈ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઈ ગયો છે.