ગાંધીનગર: ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મોડી રાત સુધી ચાલ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ બન્યાં છે.

સવારે 10 વાગ્યાથી આરંભાયેલું ગૃહ રાત્રે એક વાગ્યા બાદ પણ ચાલુ રહ્યું હતું અને અચોક્કસ સમયમર્યાદા સુધી ચાલે તેવું જણાતાં રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ ધારાસભ્યો માટે વિધાનસભા પરિસરમાં જ કરવામાં આવી હતી. આ અગાઉ 1991માં 11.32 વાગ્યા સુધી ગૃહ ચાલ્યું હતું.

14મી ગુજરાત વિધાનસભાના 26 જુલાઈના અંતિમ દિવસે સવારે 10 વાગ્યે હાથ ધરાયેલું ગૃહ રાત્રે 1 વાગ્યા બાદ પણ ચાલુ રહ્યું હતું. નિયમિત સમય પ્રમાણે સવારે 10 કલાકે હાથ ધરાયેલી સવારની બેઠક સામાન્ય રીતે 2.30 કલાકે પૂરી થઈ જતી હોય છે પરંતુ શુક્રવારે હાથ ધરાયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં.

જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, શહેરી વિકાસ, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલતા છેવટે ગૃહ મોડી રાત બાદ પણ ચાલી રહ્યું હતું અને કોંગ્રેસ-ભાજપના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.