Gandhinagar News: ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. લાંગાએ તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવીના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક 5,87,56,939ની સામે તેઓએ કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા 17,59,74,682નું કર્યું છે. તેમણે 198.15 ટકા જેટલું રોકાણ કરી 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBને તપાસમાં જણાઇ આવ્યું છે.

એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે ગુનો દાખલ


ACBની તપાસ પ્રમાણે 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળા દરમિયાન એસ.કે. લાંગાએ તેમના પુત્રના નામે ઘણી બધી મિલકતો વસાવી છે. તે મિલકતો ખરીદી કરતાં અગાઉ દરેક વખતે તેમના પુત્રએ પોતાના નામની પ્રોપરાઇટરશીપ ફર્મમાં ટુકડે ટુકડે રોડકા નાણાં જમાં કરાવી ત્યાર બાદ તે રોકડ નાણાં પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર લઇ તે એકાઉન્ટમાંથી મિલકતો ખરીદી કરી છે. ભ્રષ્ટાચારથી એકત્ર કરેલા નાણાંને પોતાના પુત્રની શેલ કંપનીમાં રોકડ સ્વરૂપે જમા કરાવી ભ્રષ્ટાચારના નાણાંથી પુત્રના નામે મિલકતો ખરીદી હોવાનું પ્રાથમિક દૃષ્ટીએ જણાવા મળ્યું છે. એસ.કે. લાંગા અને તેમના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવી વિરૂદ્ધ અમદાવાદ શહેર ACBએ ગુનો દાખલ કર્યો છે.

નિવૃત્ત IASના તપાસ રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાઈ હતી
એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્ના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે સૂચન કર્યું હતું, જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેકટર કચેરીના વર્તમાન ચીટનીશ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જમીનના ખોટા NAના હુકમો કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું
પોલીસ ફરિયાદ મુજબ, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.