Gandhinagar News: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે, આ બજેટ સત્રમાં બજેટ રજૂ થશે, જેમાં ખેડૂતોને કેટલાક લાભો માટેની જાહેરાતો થઇ શકે છે, પરંતુ આ પહેલા આજે ગાંધીનગરમાં કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાવવાની છે, જેમાં ટેકાના ભાવને લઇને ચર્ચાઓ કરવામાં આવશે. 


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1લી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે, જ્યારે બજેટ 2જી ફેબ્રઆરીએ રજૂ થશે. પરંતુ આ બધાની વચ્ચે હવે આજે ગાંધીનગરમાં ેક મહત્વની બેઠક યોજાશે. કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 4 વાગે સ્વર્ણિમ સંકુલમાં એક મહત્વની બેઠક યોજાશે, જેમાં ખરીફ સિઝનના પાકોના ભાવની નીતિ અંગે ચર્ચા કરાશે. કેંદ્ર સરકારને ટેકાના ભાવની ભલામણો કરવામાં આ બેઠકમાં ચર્ચા થશે. વાવેતર અને ઉત્પાદનના અંદાજ મુજબ ભાવ નક્કી કરવા માટે પણ ભલામણ કરાશે. 


રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની 26 બેઠકો યોજાશે. દરેક બેઠકમાં પ્રશ્નકાળ રહેશે.


 


નવા બજેટમાં ગુજરાત સરકાર જમીન કાયદામાં સુધારો કરશે, જાણો કોને કઇ રીતે થશે ફાયદો ?


1લી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે. 


ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.


હાલમાં અમલમાં આ ત્રણ કાયદાઓ છે - 


1 ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 


2 ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958 


3 ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949