Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રને લઇને હવે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંસદમાં થયેલા સ્મૉક કાંડ બાદ ગુજરાતમાં પણ કોઇ આવી અનહોની ઘટના ના ઘટે તે માટે સમગ્ર વિધાનસભા પરિસરથી લઇને ગૃહ અને સચિવાલયની સુરક્ષામાં થ્રી લેયર સિક્યૂરિટી ગોઠવવામાં આવી છે. દરેક એન્ટ્રી ગેટથી લઇને ગૃહ સુધી તમામ લોકોની તપાસ થશે, એટલું જ નહીં ગૃહમાં પણ સાર્જન્ટની સુરક્ષા વ્યવસ્થાને ગોઠવવામાં આવશે. 


ગાંધીનગરમાં બજેટ સત્રને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બજેટ સત્રને લઇને ગુજરાત વિધાનસભામાં ભારે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સંસદમાં થયેલા સ્મકૉક કાંડ બાદ હવે ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં સખત રીતે વધારો કરવામાં આવ્યો છે. આગામી બજેટસત્ર માટે વિધાનસભામાં થ્રી લેયર સુરક્ષા રહેશે. વિધાનસભામાં સુરક્ષા માટે ડિજિટલ મલ્ટિ-ફંક્શન ડિટેક્ટર ગોઠવવામાં આવશે. વિધાનસભા ગૃહમાં જ નહી સત્ર દરમિયાન સચિવાલયમાં એન્ટ્રી કરનારા દરેક વ્યક્તિની કડક ચકાસણી પણ થશે. વિધાનસભા ગૃહની પ્રેક્ષકદીર્ઘામાં આવનારા દરેક વ્યક્તિની અંગજડતી કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં સાર્જન્ટનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 


બજેટ સત્રને લઇને ગુજરાત વિધાનસભા ગૃહની બહાર અને વિધાનસભાની અંદર પણ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. તમામ એન્ટ્રી ગેટ પર સુરક્ષાના જવાનો વધારવામાં આવશે, વિધાનસભાની આસપાસ અને સચિવાલય પરિસરમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. સચિવાલયની આસપાસના રૉડ ઉપર પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આવતીકાલે સુરક્ષા કર્મચારીઓને તેમના પોઇન્ટની ફાળવણી કરવામાં આવશે. 


નવા બજેટમાં ગુજરાત સરકાર જમીન કાયદામાં સુધારો કરશે, જાણો કોને કઇ રીતે થશે ફાયદો ?


1લી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે. 


ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.


હાલમાં અમલમાં આ ત્રણ કાયદાઓ છે - 


1 ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 


2 ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958 


3 ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949