Gandhinagar: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય કર્મચારી મહામંડળે સરકારને 4 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા, ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા સહિતના અગાઉ સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ચાર માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો 6 માર્ચે ઓનલાઈન કામગીરીના બહિષ્કારની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્ય કર્મચારી મહામંડળે ચાર માર્ચ સુધીમાં સરકારને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમય મર્યાદામાં પ્રશ્નનું નિરાકરણ ન આવે તો 6 માર્ચથી ફરી એકવાર રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓ આંદોલનના મંડાણ કરશે. 6 માર્ચના રાજ્યભરના કર્મચારીઓ ફરજ પર હાજર રહી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે. આટલું જ નહીં પેન અને ચોક ડાઉન કરી કામગીરીથી અળગા રહી આંદોલન કરશે. ત્યારબાદ તબક્કાવાર આંદોલનના કાર્યક્રમોની જાહેરાત કરશે.
આગામી 4 માર્ચ સુધીમાં સરકાર દ્વારા પ્રશ્નોનો ઉકેલ ન મળે તો સમગ્ર રાજ્યમાં છ માર્ચના રોજ આંદોલન કરાશે. સમગ્ર રાજ્યના કર્મચારીઓ ફરજ પર હાજર રહી તમામ પ્રકારની ઑનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન તેમજ પેન ડાઉન અને ચોક ડાઉન કરી કામગીરીથી અળગા રહેશે. કર્મચારીઓની માંગણી છે કે સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે. તેમજ ફિક્સ પગાર યોજના ( જ્ઞાન સહાયક , ફિક્સ પગાર , કરાર આધારિક ફિક્સ પે ) જેવી યોજનાઓ દૂર કરી પુરા પગારમાં ભરતી કરવાની માંગ કરાઇ છે.
અગાઉ સરકારે કમિટી રચી મંત્રણા કરી હતી. મંત્રણાના અંતે કેટલીક બાબતોએ સમાધાન થયું હતું. પરંતુ તે સમાધાનની અમલવારી ના થતાં 18 મહિના બાદ ફરી સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી હોવાના કારણે સરકારી કર્મચારીઓ પણ જાણે છે કે સરકાર ઉપર આ સમયમાં દબાણ લાવી શકાય છે.