Gandhinagar : ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગાંધીનગર ખાતે તા.27 થી 29 મે, ૨2022 દરમિયાન “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-2022”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. સાથે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોની કેરીનું પ્રદર્શન સાથે વેચાણ થશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. 27 થી 29 મે, 2022 દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-11 ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-2022"નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27મી મે, 2022ના રોજ સવારે 8 કલાકે ઉદ્ઘાટન કરશે. પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.
આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવશે.
વડોદરામાં મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
વડોદરામાંથી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના બિલ ગામમાંથી પાદરા પી.સી.બી પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડ્યો છે. પાદરાના એક વેપારીએ બિલ ગામમાં ગોડાઉન અખાદ્ય ગોળના જથ્થોનો સંગ્રહ કર્યો હતો. અખાદ્ય ગોળના આ જથ્થાની ગણતરી કરતા 30 કિલોના 1495 થેલા પોલીસે પકડ્યા હતા અને સાથે આખા ગોડાઉન સીઝ કરી દીધું છે. આ શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો દેશી દારૂમાં વપરાય છે. પોલીસે ગોળ અખાદ્ય છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. હાલમાં પોલીસે જાણવાજોગ ગુનો નોંધ્યો છે અને રિપોર્ટ આવ્યા વધુ કાર્યવાહી કરવામાં આવશે.