ગાંધીનગરઃ રાજ્ય સરકારે બહાર પાડેલા આર્થિક રીતે નબળા વર્ગો માટે 10  ટકા અનામત રદ્દ કરવા માટેના પરિપત્રને ગણતરીની કલાકોમાં પરત ખેંચવાની ફરજ પડી હતી. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 10 ઇબીસી રદ્દ કરતા પરિપત્ર ભૂલ બરેલો હતો જેના લીધે તેને પરત ખેંચવાની ફરજ પડી છે. સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને સરકાર છેલ્લી ઘડી સૂધી લડત આપશે. ઈબીસી અનામત માટે સરકારની નીતિ યથાવત છે.


સુપ્રિમ કોર્ટે અગાઉ જે લોકોને ઇબીસી અંતર્ગત શિક્ષણમાં પ્રવેશ આપી દીધો હતો તે યથાવત રાખીને આગળ નવા પ્રવેશ ઇબીસી અંતર્ગત નહી આપવા માટે જણાવ્યું હતું. આ પરિપત્ર તે બાબતનો હતો. આ પરિપત્રમાં ગેર સમજ થાય તેવા વાક્યો હતા.

પાટીદારોએ ઉગ્ર અનામત આંદોલન શરૂ કર્યા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકાર દ્વારા આંદોલનને અટકાવવા માટે  10 ટકા ઇબીસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હાલની વિજય રૂપાણી સરકારે  આ જાહેરાતને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 10 ટકા ઇબીસીના નિર્ણયને સ્થગિત કરતું જાહેરનામું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારી નોકરીમાં 10 ટકા ઈબીસીનો અમલ નહીં થાય. ઈબીસીમાં અરજી કરનારા ઉમેદવારોને સામાન્ય વર્ગમાં જ પ્રવેશ પત્ર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 10 ટકા ઈબીસીને પાટીદારો પહેલા જ લોલીપોપ સમાન ગણાવી રહ્યા હતા. 5 મહિનામાં જ ઇબીસીને રદ્દ કરવામાં આવી છે.

પહેલા ગુજરાત હાઈકોર્ટે  ઇબીસી ક્વોટા રદ્દ કરતા જણાવ્યું હતું કે 10 ટકા અનામત ગેરબંધારણીય બાબત છે. બંધારણનું ઉલ્લંઘન કરીને આર્થિક ધોરણે અનામત ન આપી શકાય. આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાથી અનામતનું પ્રમાણ 50 ટકાથી વધી જાય છે. સરકારે અનામત માટે કોઈ સર્વે પણ કરાવ્યો નથી.

10 ટકા આર્થિક અનામત રદ્દ કરવાના ચૂકાદા સામે કેબિનેટ પ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વધારાની 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરી હતી. તેની સામે કોંગ્રેસ તરફી લોકોએ હાઈકોર્ટમાં રીટ કરી  હતી. હાઈકોર્ટના આ નિર્ણયને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજ્ય સરકારે કાયદાકીય અભ્યાસ બાદ ઇબીસીનો હુકમ કર્યો હતો.

ઇબીસીના પરિપત્રના મુદ્દા