ગાંધીનગરઃ ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્લી મોડલ જોવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપની આ ટીમ  દિલ્લીમાં સ્કૂલ, રોડ રસ્તા, સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. મહોલ્લા ક્લિનીકની જાત તપાસ કરશે.  આજે 17 સભ્યો દિલ્લી જવા રવાના થયા છે. ભાજપના નેતાઓનું આપના નેતાઓએ વ્યંગાત્મક ટ્વીટથી સ્વાગત. 




ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે, સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિતના મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત. કેજરીવાલે કહ્યું કે, રાજનીતિ બદલવા આવ્યા છીએ, ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડ ઉપર આગળ વધતા જોઇને ખુશી થાય છે અને જોવા ગયા જ છો તો કાંઇક શીખીને આવજો. ડેલે હાથ દઈને પાછા ન આવતા. 




દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે, અખબારથી ખબર પડી કે ગુજરાત ભાજપની ટીમ દિલ્લીની સ્કૂલ-મહોલ્લા ક્લિનિક જોવા માટે આવી રહી છે. અમે ગુજરાતની આ ટીમના સ્વાગત માટે અને તેમને સ્કૂલ અને મહોલ્લા ક્લિનીક બતાવવા માટે 5 ધારાસભ્યોની ટીમ બનાવી છે. જેમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, કુલદીપ કુમાર અને ગુલાબ સિંહનો સમાવેશ થાય છે.