ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા પ્રમુખોની વરણી કર્યા પછી જિલ્લા પ્રમુખો દ્વારા સ્થાનિક સ્તરે હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્થાનિક સ્તરે હોદ્દેદારોની વરણીને લઈને વિવાદમાં સપડાયા છે. વિવાદ પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાને પગલે તમામ વરણીઓ રદ કરવામાં આવી છે.


પાટણ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે આડેધડ હોદ્દા આપવાનું શરૂ કરતાં વિવાદ સર્જાયો હતો. જેને કારણે આ વરણીઓ રદ કરવી પડી છે. તેમણે પાટણ જિલ્લાના મંડલના પ્રમુખ/મહામંત્રીની જાહેરાત કરી હતી. ઉપરાંત જિલ્લાના મંડલના સાંતલપુર તાલુકો,સરસ્વતી તાલુકો,સિધ્ધપુર શહેર,સિધ્ધપુર તાલુકાના પ્રમુખ/મહામંત્રીની અને સમી તાલુકના મહામંત્રીની પણ જાહેરાત કરી હતી.

જોકે, તમામ હોદેદારોની નિમણૂકની જાહેરાત બાદ ગણતરીના કલાકોમાં આ નિમણૂકો રદ કરવી પડી છે. ભાજપ પ્રમુખે મીડિયા ગ્રુપમાં તમામ નિમણુંકો રદ્દ કર્યાનું જાહેર કર્યું હતું. પ્રદેશ સંગઠન સાથે સંકલનનો અભાવ હોવાની મીડિયા કન્વીનરે એબીપી અસ્મિતાને જાણકારી આપી હતી.

સંકલન વગર જાહેરાત કરી હતી અને અન્ય સમાજ નિમણૂકથી રહી જતા નારાજગી હોઈ હાલ પૂરતી નિમણૂકો રદ્દ કરી હોવાનું પ્રમુખે જણાવ્યું હતું. નારાજ સમાજના હોદ્દેદારોનો સમાવેશ કરી ફરી જાહેરાત કરાશે, તેમ પણ પ્રમુખ જણાવ્યું હતું.