અમદાવાદઃ  કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાંમોત થયાં એ ઘટનામાં ચારેય ગુજરાતી હોવાનું બહાર આવ્યું છે.  મૃતકોમાં પતિપત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયોનાં મોત અંગેનું ટ્વીટ કર્યું હતું.  આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે.


આ ઘટનાક્રમ વચ્ચે ક્લોલના ડીંગુચા ગામનાના વતની એવા 4 સભ્યોનો પટેલ પરિવાર કેનેડા વિઝીટર વિઝા પર ગયા પછી  છેલ્લા બે દિવસથી લાપતા હોવાનું બહાર આવ્યું છે.  આ અંગે પરિવારે વિદેશ મંત્રાલયને મેલ દ્વારા જાણકારી પણ આપી છે. ડીંગુચા જગદીશ બળદેવભાઈ પટેલ, વૈશાલી જગદીશ પટેલ, ગોપી જગદીશ પટેલ, ધાર્મિક જગદીશ પટેલ એમ ચાર વ્યક્તિનો આ પરિવાર ગુમ હોવાથી કેનેડા-યુએસ બોર્ડર પર માર્યા ગયેલા ચારેય ભારતીય આ પરિવારનાં હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. 


કેનેડામાં જે 4 ભારતીયનું બરફ ના તોફાનમાં ફસાવાથી મૃત્યુ થયું છે તે ડીંગુચાના પટેલ પરિવારના છે તેની હજુ સુધી પુષ્ટિ નથી થઈ પરંતુ તે લાપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.હાલ ડીગુચા ખાતે આ અંગે કોઈ બોલવા માટે તૈયાર નથી.


લાપતા થયેલ 4 સભ્યોનો પરિવાર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે. આ પરિવારને કેનેડા મોકલનાર ડિગુચા પાસેના પલીયડ ગામના એક વ્યક્તિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો છે. તેની પટેલ પરિવાર કેનેડા મોકલવા સંદર્ભે પૂછપરછ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે.


અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે.  આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલી માનવામાં આવે છે. પરિવારના સભ્યો કેનેડા વિઝીટર વિઝાના આધારે કેનેડા ગયા પછી  ગેરકાયદેસર રીતે કેનેડા સરહદેથી અમેરિકા મા પ્રવેશી રહ્યા હતા એ દરમિયાન બરફ ના તુફાન મા ફસાઈ જવાથી તેઓના મૃત્યુના અહેવાલ મળ્યા છે.