ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે લગ્નમાં 200 લોકોને હાજર રાખવાની છૂટ આપી હતી.  એ વખતે કહેવાયું હતું કે, લગ્નો ધામધૂમથી નહીં કરી શકાય પણ 200 લોકોની મર્યાદામાં રહીને લગ્નમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો કરી શકાય કે  નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ.


હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સ્ટાન્ડર્ટ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) બહાર પાડવામં આવી છે. એક જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે,  રાજ્ય સરકારની એસઓપીમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના ગાઈડ લાઈનનો અમલ કરીને લગ્નોમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.


આ અહેવાલમાં સુરત શહેર આર્ટીસ્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીમાં આ બાબતે તપાસ કરતાં  અધિકારીઓએ લગ્નગીત, સંગીત સંધ્યા અને ઓરકેસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી છે એવી સ્પષ્ટતા કરી હતી. આ જાહેરાત લગ્ન કરવા માગતા લોકો માટે સારા છે જ પણ સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો પર નભતા કલાકારો માટે બહુ મોટા છે. આ નિર્ણયના કારણે તેમને રોજગારી મળવા માંડશે.


રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 200 લોકોની પરમિશન માટે એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 6 ફૂટના અંતર સાથે ફિઝિકલ ડિસ્ટન્ટ રાખવાનું રહેશે અને તેના માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્ક્રિનિંગ, ઓક્સિમિટર, સેનેટાઈઝરની સુવિધા સાથે સ્ટેજ માઈક, સ્પિકર, તેમજ ખુરશીઓને સમયાંતરે સેનિટાઈઝ કરવાના રહેશે. ચા, નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો તે સમારંભ સ્થળ નહીં પરંતુ અલાયદા હોલ અને સ્થળે રાખવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન થૂંકવા તેમજ પાન, મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.