મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે, પિયતવાળી જમીન માટે હેક્ટર દીઠ 13 હજાર 500ની સહાય આપવામાં આવશે. આ સાથે ચાર લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે. રાજ્ય સરકાર પિયત વિસ્તારના ખેડૂતોને પ્રતિ હેક્ટર 13 હજાર 500 અને બિન પિયત વિસ્તારમાં ખેડૂતોને 6 હજાર 100ની સહાય ચૂકવશે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યમાં બે લાખ કરતા વધારે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયુ છે ત્યારે આ તમામ ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવશે. તો પાક સહાયમાં કાપણી કર્યા બાદ કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચ્યુ હોય તેવા ખેડૂતોને પણ આવરી લેવામાં આવ્યા છે. તો સહાયપાત્ર ખેડૂતોને RTGS અને કલેક્ટર ઑફિસ મારફતે વળતર ચૂકવાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે.
દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક સર્વેમાં 5 લાખ હેક્ટરમાં નુકસાન થયાની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે. પહેલા કૉંગ્રેસ પોતાના રાજ્યોમાં ખેડૂતોને સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે. અમારી સરકાર ખેડૂતોનાં પડખે છે.