ગાંધીનગરઃ અતિવૃષ્ટિના કારણે પાક નુકશાનીના મામલો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની ભાજપ સરકારે બાકી રહેલા 8 જિલ્લાઓ માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતના વધુ 9 જિલ્લાના પાંચ લાખ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે ખેડૂતો ને જે નુકશાની થયેલ છે. તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 7.65 લાખ હેકટર વિસ્તારમાં પાક નુકશાનનું વળતર આપવાની જાહેરાત કરી છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હેકટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.
અગાઉ, ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેના જાહેર કરેલા રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે.
જોકે, ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે, અતિવૃષ્ટિ મુદ્દે રાહત પૂરુ પેકેજ જાહેર કરવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આઠ જિલ્લામાં રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી.
અગાઉ, ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાના 320 ગામ, રાજકોટ જિલ્લાના 156 ગામ, જૂનાગઢ જિલ્લાના 135 ગામ અને પોરબંદર જિલ્લાના 71 ગામ મળી કુલ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી
જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા હતા. પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે, તેમ પણ કહેવાયું હતું. ઓછામાં ઓછી 5 હજાર સહાય ચૂકવાશે. SDRFના ધોરણ કરતાં વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.