ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ, સરકારી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા લઈને સારવાર કરવાની છૂટ આપી છે. જોકે, આ હોસ્પિટલો કોરોનાની સારવાર માટે લાખો રૂપિયા વસૂલે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ હોસ્પિટલોની ફી નક્કી કરવાનો આદેશ રાજ્ય સરકારને કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટનાં હુકમ બાદ રાજ્ય સરકાર કોરોનાં સારવાર માટે ખાનગી હોસ્પિટલોની ફી નિર્ધારિત કરશે.

ખાનગી હોસ્પિટલો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે લાખો રૂપિયા ઉઘરાવી શકે નહીં તે પ્રકારના કોર્ટના અવલોકન બાદ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેની ફી નિર્ધારણ મુદ્દે સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સામાન્ય માણસને પણ પરવડે તેવી વ્યાજબી ફી કેટલી રાખવી તે અંગે નિર્ણય આવી શકે છે.



ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સારવાર માટે સરકાર શું આપશે અને ખાનગી હોસ્પિટલોએ શું વ્યવસ્થા ઉભી કરવાની રહેશે તે અંગે માર્ગદર્શિકા જારી થઇ શકે છે. મહામારીના સમયમાં ખાનગી હોસ્પિટલ નફાખોરી ના કરી શકે અને હોસ્પિટલો આનાકાની કરે તો તેમના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે આ પહેલા કોર્ટે નિર્દેશ જારી કર્યા હતા.