Gujarat Politics: વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારાઓની હવે ભાજપે શોધખોળ શરૂ કરી છે. ભાજપની શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં ભાજપ નેતા અશ્વિન કોટવાલે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિરૂદ્ધ ફરિયાદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતાં. ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલની માત્ર 1 હજાર 464 મતે જ હાર થઈ હતી. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે દિગ્ગજ નેતા અશ્વિન કૉટવાલ ભાજપમાં જોડાયા ત્યારથી જ હેરાનગતિ શરૂ કરવામાં આવી છે.
ભાજપના કાર્યકર સામે નોંધાયો વ્યાજખોરીનો ગુનો
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના કાર્યકર પિન્ટુ રાઠોડ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પિન્ટુ રાઠોડ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડનો ભાઈ છે. થોરાળા પોલીસે આકરી કલમ લગાડી દાખલ ગુનો કર્યો છે. પિન્ટુ રાઠોડ એક પરિવારે લીધેલી વ્યાજની રકમ ન આપતાં ધમકી આપતો હતો.
પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થતા કાર્યવાહી
અમરેલીના રાજુલામાં કોર્ટ મુદતમાં લવાયેલો દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બે દિવસ અગાઉ રાજુલા કોર્ટમાં હાજરી આપવા આવેલો એક કેદી હોટલમાં જમવા ગયો હતો. આ સમયે હાથમાં પહેરેલી હાથકડી કાઢી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. અમરેલી SP હિમકર સિંહ દ્ધારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. અમરેલી સબ જેલમાંથી તેને પોલીસ જાપ્તા સાથે રાજુલા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યો હતો. હોટલમાં જમ્યા બાદ હાથકડી કાઢી આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા ફરાર થઈ ગયો હતો. આરોપી ફરાર થવાના કેસમાં અમરેલીના જિલ્લા પોલીસવડાએ પોલીસ જાપ્તાના ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મચારી મનુભાઈ વાઘેલા, ડાયાભાઈ પરમાર, હિમાલયભાઈ કાલાવડિયાને જિલ્લા પોલીસવડા હિમકંરસિંહે સસ્પેન્ડ કરી દીધા છે.