ગાંધીનગરઃ ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગાંધીનગર ખાતે નવનિર્મિત મહેસુલી કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર માટે મહેસુલ અને પોલીસ ખાતા સૌથી વધુ બદનામ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. અમારે ત્યાં સૌથી વધુ બદનામ ખાતુ એટલે મહેસુલ ખાતુ અને ભ્રષ્ટાચારમાં બીજા નંબર પર પોલીસ ખાતુ છે.


રૂપાણીએ જણાવ્યું હતું કે, મહેસુલ અને પોલીસ ખાતા સૌથી વધુ બદનામ છે પરંતુ હવે સરકાર આ બધુ સાંખી લેશે નહીં. આગામી પાંચ વર્ષમાં જન્મથી લઈને મૃત્યુના દાખલા સુધી બધુ જ ઓનલાઈન કરવાની સરકારની ઈચ્છા છે.  વિજય રૂપાણીએ કહ્યુ કે આજથી 20 -25 વર્ષ અગાઉ કોઇ નાગરીક અધિકારી કે કર્મચારીને પૈસા આપે તો અધિકારી આભડછેટ માનતો અને કહેતો કે મારે ઘરે બૈરી છોકરા છે.

રૂપાણીએ કહ્યું હતું કે, આજની સ્થિતિ 360 ડિગ્રી ઉંધી થઇ ગઇ છે જો કોઇ નાગરીક સરકારી કચેરીમાં કામ પુર્ણ કર્યા બાદ કોઇ પણ પ્રકારનો વ્યવહાર કર્યા વિના ઉભો થાય તો અન્ય કર્મચારી તેને રોકે અને કહે છે કે અમારી ઘરે બૈરી છોકરા છે તેનું તો કંઇક વિચારો. આજે અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે. રૂપાણીએ કહ્યું કે, સરકાર ભ્રષ્ટાચાર નિવારવા માટે સતત આયોજન અને ચિંતન કરી રહી છે. ઓનલાઇન NA થતા કેટલાક લોકોને ખૂંચી રહ્યું છે. કેટલીક જિલ્લા પંચાયતોને તો પોતાની દુકાન બંધ થઇ ગઈ હોવાનું લાગ્યું હોવાથી કોર્ટમાં ગયા છે સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી.સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક હાથે કામ લેશે.