ગાંધીનગર: મંત્રીમંડળનુ વિસ્તરણ કરાતાં ત્રણ નવા મંત્રીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. એક કેબિનેટ પ્રધાન સહિત બે રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં છે જેમને રવિવારે મોડી સાંજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગની જવાબદારી સોંપવામાં આવી હતી.



કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના અન્ન પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને કુટિર ઉદ્યોગ ખાતું સોંપવામાં આવ્યું છે. કેબિનેટમંત્રી જયેશ રાદડિયાના કામભારની વહેંચણી કરવામાં આવી છે. આ બાજુ મંત્રી ગણપત વસાવા પાસેથી પ્રવાસન જ્યારે મંત્રી આર.સી.ફળદુ પાસેથી મત્સ્યોદ્યોગ ખાતું ળઈ લેવામાં આવ્યું હતું.



આ બંન્ને ખાતા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સોંપવામાં આવ્યા છે.રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહનિર્માણ ખાતુ સોંપવામાં આવ્યું છે. અગાઉ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ પાસે શહેરી ગૃહવિકાસ નિર્માણ ખાતુ હતું.



રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિર પાસે માત્ર સમાજીક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગની જવાબદારી હતી પણ તેમને પ્રવાસનનો રાજ્યકક્ષાનો હવાલો પણ સુપરત કરવામાં આવ્યો છે. નવનિયુક્ત ત્રણેય મંત્રીઓ સોમવારે સ્વર્ણિમ સંકુલમાં પદભાર સંભાળશે.