ગાંધીનગરઃ ગઈ કાલે ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જે પ્રમાણે 23મી એપ્રિલે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા માટેનું મતદાન થવાનું છે. આ જ દિવસે ગુજરાતની બે સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ઊંઝા અને તાલાલા બેઠકની પેટાચૂંટણી 23મી એપ્રિલે યોજાશે.


કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ સીટ ખાલી પડી છે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાનભાઈ બારડને તાલાલા બેઠક પરથી ધારાસભ્ય પદેથી દૂર કરતાં આ બેઠક ખાલી પડી હતી. હવે લોકસભાની સાથે જ આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, આ માટેનું નોટિફિકેશન જાહેર કરાયું નથી. ચૂંટણીપંચ તરફથી હજુ સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરાઈ નથી.

બીજી તરફ તાલાલાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ સામે કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો તાલાલાની ચૂંટણી જાહેર થશે, તો કોંગ્રેસ તેને કોર્ટમાં પડકારશે.