Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, તો કોંગ્રેસે પણ પોતાની પ્રથમ યાદીમાં જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા. જોકે, ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં 26 બેઠકોમાંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ ગુજરાતના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે ચર્ચા છે કે, ભાજપ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં 11 ઉમેદવારોના નામ આવી શકે છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ભાજપ પોતાની આજે બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થઇ શકે છે. આજે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ હશે, પરંતુ આમાં સૌથી મોટુ ટ્વીસ્ટ્સ આવી શકે છે મહિલા ઉમેદવારોને લઇને કેમકે સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, ભાજપ રાજ્યમાં મહેસાણા અને સુરતથી મહિલાઓના સ્થાને પુરૂષ ઉમેદવારોને મેદાનમા ઉતારી શકે છે. મહેસાણા અને સુરત બેઠકો છોડીને અન્ય બેઠકો ભાજપ મહિલા ઉમેદવારો ઉતારી શકે છે. જો આમ થશે તો મહેસાણાથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો રજની પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, અને સુરતથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો મુકેશ દલાલનું નામ પણ લગભઘ નક્કી છે.
મહેસાણા બેઠક પર ભાજપની ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરૂ, પાટીદાર સમાજનો ઉમેદવાર હશે તે નક્કી છે!
લોકસભામાં ગુજરાતની 26 પૈકી બાકીની 11 બેઠકના ભાજપમાં ઉમેદવાર કોણ હશે તેની ચર્ચા વચ્ચે મહેસાણા બેઠક પર ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરુ થઈ ચૂક્યુ છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા શારદાબેનને ઉમરના કારણે જો બીજી વાર રિપિટ ન કરાય તો તેમના સ્થાને કોણે ટિકિટ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે. ચર્ચા એ વાતની પણ છે શારદાબેન પટેલના સ્થાને શું મહિલાને જ ટિકિટ અપાશે કે પુરુષને. કેમ કે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપે મહિલાને ટિકિટ આપી સાંસદ બનાવ્યા છે ત્યારે આ ચૂંટણીમાં પુરુષ ઉમેદવાર ઉતારાય તેવો પણ તર્ક અપાયો છે.
પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે. કડી વિદ્યાલયના સરદારભાઈનું નામ પણ મહેસાણા બેઠક માટે ચર્ચામાં આવી ચૂક્યુ છે. કોને ટિકિટ આપવી એ તો ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ જ નક્કી કરશે પરંતુ એકવાત નક્કી છે મહેસાણા બેઠકથી પાટીદાર સમાજનો ઉમેદવાર હશે.
લોકસભા અંતર્ગત આવતી સાત પૈકી ચાર બેઠક પર પાટીદાર તો ત્રણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે ત્યારે પાડોશની પાટણ બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ ફાળવાઈ ચૂકી છે. ત્યારે મહેસાણાથી પાટીદાર ઉમેદવાર હશે અને તે પણ કડવા પાટીદાર સમાજમાંથી તે પણ નક્કી છે. જો કે કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળ કે પછી બેતાલીશના ગોળના પ્રતિનિધિને ચાન્સ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે. રજનીભાઈ પટેલ કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળના છે. જ્યારે એમ.એસ પટેલ ઊંઝા પાટીદાર સમાજના છે. ત્યારે જો બેતાલીશના ગોળના વ્યક્તિને ટિકિટ અપાય તો ડોક્ટર એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ પર ભાજપ પસંદગી ઉતારી શકે છે.
થોડા દિવસ પહેલા લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, આજે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામનું એલાન એક સપ્તાહમાં થશે. સૌરાષ્ટ્રની ભાવનગર,અમરેલી, સુરેન્દ્રનગર અને જુનાગઢ સીટના ઉમેદવારના નામનું એલાન બાકી છે. ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય નામો આવવાની સંભાવના છે.