Lumpy Virus : ગુજરાતમાં લમ્પી વાયરસે કહેર વરસાવ્યો છે.  સત્તાવાર આંકડાઓ અનુસાર ગુજરાતમાં આજે 4 ઓગષ્ટે લમ્પી વાયરસને કારણે 159 પશુઓના મોત થયા છે. આ સાથે સત્તવાર આંકડાઓ કહી રહ્યાં છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 1838 પશુઓના મોત થયા છે. 


 60,851 પશુઓ અસરગ્રસ્ત 
અત્યાર સુધીમાં રાજ્યમાં 60,851 પશુઓ આ રોગથી અસરગ્રસ્ત થયા છે. રાજયના અસરગ્રસ્ત 22 જીલ્લાઓ પૈકી 12 જીલ્લાઓમાં આજરોજ એકપણ મરણ નથી. અને બે જિલ્લાઓમાં નવા કેસ નોંધાયેલ નથી.


22 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. કચ્છ ઉપરાંત 


સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ મોરબી, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને બોટાદ. 


મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ 3 જિલ્લાઓ, 


દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ 2   જિલ્લાઓ 


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને મહીસાગર એમ 5 જિલ્લાઓ, કુલ મળીને રાજ્યના 22 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. 


પશુઓમાં રસીકરણની પ્રગતિ
રાજ્યમાં આજે 4  ઓગષ્ટે 3,03,026 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 15,78,844 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી 
રાજય કક્ષાએ ટાસ્કફોર્સ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝના ઝડપથી ફેલાવા સંદર્ભે સારવાર પ્રોટોકોલ, ટેકનીકલ ગાઈડન્સ ક્ષેત્રિય કક્ષાએ પૂરું પાડવું અને ડિસીઝ પેટર્નના અભ્યાસ કરવામાં આવી રહેલ છે. 


હાલની પરિસ્થિતિને લઇ રાજયભરના પશુપાલકોના પશુ આ રોગની સારવારથી વંચિત ન રહે તે માટે ટોલ ફ્રી નંબર 1962 અને રાજય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી 9409903234 અને 9409904234 કાર્યરત કરીને લમ્પી સ્કીન ડિસીઝના નિયંત્રણ અર્થે સીધું મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવે છે.


રાજયના દરેક જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલ મોનીટરીંગ કમિટી દ્વારા આ રોગના નિયંત્રણ અર્થેની કામગીરી માટે સુપરવિઝન અને માર્ગદર્શન આપવામાં આવે છે રાજયના વધુ અસરગ્રસ્ત 14 જિલ્લાઓમાં પશુ હેરફેર નિયંત્રિત કરવા સરકાર દ્વારા તા.26-07-2022 થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.