Gandhinagar News:  રાજ્યમાં સિંહ દર્શન માટે હવે સાસણનો ધક્કો થોડા સમય પછી નહીં થાય. રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે. સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજુ સ્થળ સરકાર વિકાસાવશે. મળતી માહિતી પ્રમાણે, પાલીતાણાથી ખાંભા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિક્સાવશે. આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતાં સરકારે નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારના સમન્વયથી નવું ટુરિસ્ટ પ્લેસ વિક્સાવશે. સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી પણ વિકસાવી શકે છે.


વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે. સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે. વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓ જેમકે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે. સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે.









બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગૌરવ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.


આ નર સિંહને પ્રથમ વખત 2022માં માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે, લગભગ સાડા ત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો.


દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો નોંધનિય છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે.


વડાપ્રધાન મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે