ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધારે છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો રોકવાની કામગીરીમાં વધુ બે આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. વિજય રૂપાણી સરકારે ગાંધીનગરમાં અધિક વિકાસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી. એ. શાહ અને રિયોલોજિકલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે ફરજ બજાવતા મનીષ કુમારને વિશેષ જવાબદારી સાથે અમદાવાદ મોકલ્યા છે.


આ બંને આઈએએસ અધિકારીને કોરોનાની પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે તંત્ર સાથે મળીને કામ કરવાની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે, જ્યાં સુધી બીજો ઓર્ડર ના થાય ત્યાં સુધી 31 જુલાઈ સુધી બંને અધિકારીએ પોતાને સોંપાયેલી જવાબદારી નિભાવવાની રહેશે.



આ પહેલાં ગુજરાત સરકારે અણદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપી હતી. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં છે. આ કેસોને પહોંચી વળવામાં સિવિલ હોસ્પિટલનું તંત્ર અસરકારક સાબિત નહીં થયું હોવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે અમદાવાદમાં સિવિલ સુપરિટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકરને પણ પાછા બોલાવ્યા છે. ગુજરાત સરકારે થોડા સમય પહેલાં નિવૃત થયેલા પ્રભાકરને સિવિલ હોસ્પિટલની જવાબદારી સોંપી છે. કોરોના વાયરસ સામેના વધતા કેસો વચ્ચે એમ.એમ.પ્રભાકર સિવિલ હોસ્પિટલના વડા તરીકે કામગીરી કરશે.

ગુજરાત સરકાર અમદાવાદમાં વધતા કેસોને રોકવા માટે હજુ બીજા કેટલાક અધિકારીઓને પણ અમદાવાદ મોકલી શકે છે.