Father kills wife and son: ગાંધીનગર શહેરના શાંત ગણાતા સરગાસણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક આધેડે આર્થિક સંકડામણથી કંટાળીને પોતાની પત્ની અને પાંચ વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


ગુરુવારે બનેલી આ ઘટનામાં, હરેશભાઈ કનુભાઈ વાઘેલા નામના 42 વર્ષીય આધેડે તેમના પરિવારનો અંત આણ્યો હતો. હરેશભાઈ સલૂનમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના પત્ની આશાબેન ઘરકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતા હતા. તેમનો પાંચ વર્ષનો પુત્ર સ્થાનિક ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. સુરેન્દ્રનગરના વતની વાઘેલા પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી સરગાસણની શ્રીરંગ નેનોસિટી 1માં રહેતો હતો.


ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પડોશમાં રહેતી એક સગીરાના ઘરનો બલ્બ બગડ્યો હતો અને તેણે મદદ માટે હરેશભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો અંદરથી બંધ હોવાનો તેને લાગ્યું, પરંતુ લોક ન હોવાથી સહેજ ધક્કો મારતા દરવાજો ખૂલી ગયો હતો. અંદરનું દ્રશ્ય જોઈને સગીરા ચોંકી ઉઠી હતી અને તરત જ પોતાના પિતાને બોલાવ્યા હતા.


પડોશીએ અંદર પ્રવેશ કર્યો ત્યારે જોયું કે હરેશભાઈ બેભાન જેવી હાલતમાં પડ્યા હતા અને તેમના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. તેમના પત્ની આશાબેન નજીકમાં જ ગંભીર હાલતમાં હતા અને પાંચ વર્ષનો દીકરો પણ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.


પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હરેશભાઈએ પત્ની આશાબેનનું ગળું ટૂંપાવી હત્યા કરી હતી, જ્યારે માસૂમ પુત્રનું માથું ઘરની તિજોરી સાથે અથડાવી ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો હતો. ત્યારબાદ તેમણે તીક્ષ્ણ હથિયાર વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં હરેશભાઈએ શેરબજારમાં થયેલા દેવાના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં હરેશભાઈ ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં છે. ઈન્ફોસિટી પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને FSL ટીમ દ્વારા પણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ કરૂણ ઘટનાએ સમગ્ર ગાંધીનગર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.


આ પણ વાંચો....


પાટણ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી વાયરલ કરી, પ્રશાસન સામે સવાલો ઉઠ્યા