ગાંધીનગરઃ LRD અનામત પરિપત્રની ગૂંચ ઉકેલવા માંટે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના પ્રતિનિધિઓએ પોતાની સમસ્યાઓ અમારી સામે વર્ણવી છે. અમે આ બાબતો મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂ કરીશું. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી અંતિમ નિર્ણય લેશે. બીજી તરફ બિન અનામત વર્ગના પ્રતિનિધિ દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, સરકાર સાથેની બેઠક સકારાત્મક રહી છે. આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી રૂપાણી કરશે. અમારુ આંદોલન હાલમાં ચાલી રહ્યું છે.


અનામત વર્ગના લોકોના આંદોલનને ખત્મ કરવા માટે સરકારે આ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ સાથે જ બિન અનામત વર્ગના લોકોએ આંદોલન શરૂ કર્યું હતું.  દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ધારાસભ્યો 4 વાગ્યા સુધીમાં પોતાનો મત સ્પષ્ટ કરે.

બીજી તરફ કોગ્રેસે સરકાર પર કૌભાંડીઓને છાવરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારી નોકરીઓમાં ભરતી કૌભાંડના કોગ્રેસે પુરાવા આપ્યા હતા. ખોટી માર્કશીટ,અભ્યાસક્રમ અને પ્રમાણપત્રના આધારે રૂપિયા લઈને નોકરીઓ આપી હોવાનો કોગ્રેસે આરોપ લગાવ્યો હતો.

આ અગાઉ ગઇકાલે એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટમાં પહોંચી હતી અને રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગ કરી હતી. આ મામલે દિનેશ બાંભણિયાએ કહ્યું કે, સરકાર અમારી માંગણી નહિ સ્વીકારે તો અમે 120 દિવસના ઉપવાસ પર ઉતરીશું. પોલીસે કરણી સેનાના રાજ શેખાવત અને દિનેશ બાભણિયાની અટકાયત કરી હતી. જોકે, થોડા સમય બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.