Gandhinagar: ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઇ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊર્જા મળી છે. કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે, પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી, આ ક્ષેત્રનો ચહુમુખી વિકાસ થઇ રહ્યો છે. પરિણામે એક સર્ક્યુલર ઇકોનોમીનો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે અને આજે ડેરી ક્ષેત્રે ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. વર્તમાનમાં, ગુજરાતનો ડેરી ઉદ્યોગ એક લાખ કરોડને પાર કરી ગયો છે અને ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક ₹200 કરોડ ચૂકવવામાં આવે છે. GCMMFની અમુલ બ્રાન્ડ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના પાયામાં છે, લાખો પશુપાલકોની ખંતપૂર્વકની મહેનત. આવા જ એક પ્રગતિશીલ પશુપાલક છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના રહેવાસી જયેશભાઇ શંભુભાઇ પટેલ.


સર્વેયરની નોકરી છોડીને પશુપાલન શરૂ કર્યું


51 વર્ષીય જયેશભાઇ પટેલે 18 વર્ષ સુધી સર્વેયર તરીકે વડોદરા અને મુંબઇમાં નોકરી કરી હતી. તેમના પરિવારમાં દોઢ એકર જેટલી જમીન પર નાના પાયે પશુપાલન થતું હતું. સમયાંતરે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, અવનવા અભ્યાસની માહિતી તેમજ વ્યવસાયિક અને ગામઠી સૂઝ ધરાવતા જયેશભાઇએ, પશુપાલન અને કૃષિ ક્ષેત્રે વ્યાપ વધારવાનું શરૂ કર્યું. તેઓ જણાવે છે, “મેં 10થી 12 જેટલી જ ગાયો રાખી છે. તેમને યોગ્ય સમયે નિત્યક્રમમાં દાણ આપી દઇએ અને તેમના ખોરાકનો સમય બરોબર સાચવીએ તેથી તે દરરોજ નિર્ધારિત દૂધ આપે છે. ગાયને રાખવા માટે શેડ બનાવ્યો છે અને દોહવા માટે મશીન પણ મૂક્યું છે. અત્યારે અમુલમાં દૂધની ભરતી કર્યા પછી મહિને દોઢ લાખ જેટલી આવક થઇ જાય છે. ”


જયેશભાઇ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ગાયના ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તેઓ ખાતર અને કીટનાશક બનાવે છે. તેના ઉપયોગથી તેઓ શાકભાજી, ગાય માટે રંજકો અને જરૂરી પાક તેમની જમીનમાં તૈયાર કરે છે. સાથે તેઓ છાણમાંથી ખાતર બનાવીને આસપાસના ખેડૂતોને વેચીને પણ આવક કરી રહ્યા છે. તેમના ઘરમાં પ્રવેશતાં જ, ગોબરમાથી બનાવેલા ધૂપની સુવાસ ફરી વળે છે.




અમુલના કારણે જે ઇચ્છતા હતા, તે મળવા લાગ્યું”


ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સમર્પિત અમુલે, ડેરી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. પશુપાલકોને યોગ્ય તાલીમ, બિયારણ, દૂધની ખરીદી, કૃત્રિમ બીજદાન અને વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડવામાં, અમુલની ટીમ હંમેશા ઓન ગ્રાઉન્ડ રહે છે. અમુલના આ યોગદાન વિશે વાત કરતાં, જયેશભાઇ ઉત્સાહથી જણાવે છે, “અમુલના કારણે અમને સારું બીજદાન મળ્યું. બ્રીડીંગ ડેવલપ થવા લાગ્યું અને તેના લીધે ઉત્પાદન વધી ગયું. તેના લીધે આવક વધવા લાગી અને અમારો ઉત્સાહ પણ વધ્યો. પરિણામે અમારા જાણકારી મેળવવાના પ્રયત્નો પણ વધ્યા અને અમને દરેક બાબતનું છેડા સુધીનું નૉલેજ મળવા લાગ્યું. અમે જે ઇચ્છતા હતાં, એ અમુલના કારણે અમને મળવા લાગ્યું.”




હું એકપણ વાયબ્રન્ટ છોડતો નથી”


ગુજરાત જ્યારે આગામી વાયબ્રન્ટ સમિટ 2024 માટે સજ્જ છે ત્યારે, આ સમિટ કેવી રીતે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે, તે અંગે જયેશભાઇ કહે છે, “હું એક પણ વાયબ્રન્ટ છોડતો નથી. આ સમિટનો હું ઉપયોગ કરું છું. આ સમિટમાં મારા જેવા ઘણા લોકો આવે છે. તેમને ઘણો ફાયદો મળે છે. હું વાયબ્રન્ટનો લાભ કાયમ ઉઠાવું છું.”  પશુપાલન અને પ્રાકૃતિક ક્ષેત્રે સંકળાયેલા જયેશભાઇને પશુપાલન, પ્રાકૃતિક ખેતી અને તેના દ્વારા વિવિધ બિઝનેસ મોડલ વિકસિત કરવા અંગે, રાજ્યભરમાં તાલીમ પણ આપે છે. તેમની પ્રેરણાથી ઘણા ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે.