GANDHINAGAR : બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યના ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે 8 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે  બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. આજે આ મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. તો બીજી બાજુ આ મામલે હવે રાજકારણ તેજ થયું છે. લઠ્ઠાકાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. 


રાજ્યના આરોગ્યમંત્રી મસાલો ખાય છે  : વિપુલ ચૌધરી
મહેસાણાની સાબર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી.


ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિપુલ ચૌધરીએ પાટણ ખાતે દારૂ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં વસ્તુ સારી ક્વોલિટીની મળવી જોઈએ, તેમ જણાવ્યું હતું. પરંતુ તેઓ પોતાના નિવેદન પર અસ્પષ્ટ જણાતા હતા. 


પોતાના નિવેદનને તેમને ફેરવી તોડીને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નામ લીધા વગર તેમના રાજીનામાની  માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યના આરોગ્યમંત્રી મસાલો ખાય છે. રાજ્યના અનેક મંત્રીઓ વ્યસની છે, તેવું નિવેદન પણ આપ્યું હતું.


6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં 
બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી કરતા 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધંધુકા પીઆઇ કે.પી.જાડેજા, રાણપુર પીએસઆઇ એસ.ડી. રાણા, બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ  વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


તે સિવાય સી.પી.આઇ સુરેશ કુમાર ચૌધરી, બોટાદ ડી.વાય.એસ.પી એસ.કે.ત્રિવેદી, ધોળકા ડી.વાય.એસ.પી એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં  છે. ફરજમાં ગંભીર બેદરકારીને લઇને રાજ્યના ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.