Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલે બીજું શું કહ્યું


અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.



અમરેલીમાં વરસાદ


અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે. ધારી ગીરના ડાંગાવદર, ખીચા, ખોખરા સહિતના ગામમાં વરસાદ છે. બે દિવસના વિરામ બાદ ધારી ગીરના ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાઠી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ  છે. ઘનઘોર વાદળો વચ્ચે લાઠી શહેરમાં ઘોઘમાર વરસાદ ખાબકયો. વાવણી બાદના વરસાદથી ધરતી પુત્રો આંનદમાં આવી ગયા છે. સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ  અને અસહ્ય ઉકળાટ વચ્ચે શહેરના મહુવારોડ, રિદ્ધિ સિદ્ધિ ચોક, જેસર રોડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણ અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે.




ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ


ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. જિલ્લાના મુખ્ય મથક આહવા, સહિત એકમાત્ર ગીરીમથક સાપુતારામાં પણ વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું છે. સતત ચોથા દિવસે વરસાદ પડતા ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રકૃતિનો આનંદ માંણવા માટે પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial