મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મહત્વની કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. જેમાં રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને લઈ થયેલી નુકસાનીની સમીક્ષા કરવામાં આવે. રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં રાહતને લઈ થશે ચર્ચા. આ ઉપરાંત ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

સરકાર ખેડૂતોના નુકસાનીના મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યા સર્વે શરૂ કરવાના આદેશ પણ આપી શકે છે. મહત્વનું છે કે ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, કૃષિ મંત્રી આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખરીફ પાકને થયેલા નુકસાન સંદર્ભે અને નુકસાનીના સર્વે કરી સહાય બાબતે વિસ્તૃતમાં ચર્ચા થઈ.

નોંધનીય છે કે, ગુજરાતમાં આ વખતે મોટા ભાગના વિસ્તારમાં 100 ટકા વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે જેના કારણે મોટું નુકશાન થયું હોય તેવું લાગી રહ્યું છે.