હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મોંઘવારી ભથ્થાને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે. સામાન્ય વહીવટ વિભાગ GADના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂંક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા પગારકાપનો અમલ કરવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને 1લી જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય પણ કર્યાનું અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 ટકા પગારકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક પણ લાવવામાં આવશે.