ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે વપરાતાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનનાં કાળા બજાર થતાં હોવાના કૌભાંડનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સુરતમાં ઇન્જેક્શનના કાળાં બજારનો પર્દાફાશ થયો છે અને સાર્થક ફાર્મા એજન્સીમાંથી 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57હજારમાં ગ્રાહકને અપાયું હતું તેનો ભાંડો ફૂટ્યો છે. ફૂડ & ડ્રગ વિભાગે કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ કૌભાંડમાં સૂત્રધાર તરીકે ઉમા કેજરીવાલ અને ઘનશ્યામ વ્યાસનાં નામ બહાર આવ્યાં છે.

સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.



તેમણે જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલિક શ્રીમતી ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર વેચાણ બિલ તથા છૂટક દવાના પરવાના વગર મૂળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ 57 હજાર વસૂલીને કરાઈ રહ્યું છે. તેના આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ૨ નંગ Actemra 400 mg નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે જે દવાની મહત્તમ વેચાણ કિંમત ૪૦,૫૪૫/- પ્રતિ નંગ છે.

મે. સાર્થક ફાર્માના માલીક ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દવાની ખરીદી તેમણે મે. ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ, સુરતના માલીક મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ. 50 હજાર પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂપિયા 45 હજાર પ્રતિ નંગ લેખે ઘનશ્યામભાઇ વ્યાસને ચૂકવ્યા હતા. વ્યાસ અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

અમિત મંછારામાની મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. અમિતભાઈ ધ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.