કોર્ટે કહ્યું કે, આવાં નિર્ણયથી લોકો નારાજ થશે તેની દરકાર કર્યા વગર સરારે આવો નિર્ણય લેવો જોઇએ. કોરોના અંગેના સુઓમોટોની સુનાવણી આજે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ યોજાઇ હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે માસ્ક ન પહેરનારાં લોકોની બેદરકારીના કારણે ચેપ વધી રહ્યો છે.
રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી રૂપિયા 500 તેમજ અન્ય શહેરોમાં રૂપિયા 200 દંડ લેવામાં આવે છે. જેથી કોર્ટે સરકારને સૂચન કર્યુ હતું કે લોકો માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લે તે માટે દંડની રકમ વધારી એક હજાર રૂપિયા કરી દેવી જોઇએ.
કોર્ટે કહ્યું કે, આ ઉપરાંત જે શહેરોમાં સંક્રમણ વધારે છે તે વિસ્તારોમાં બહારથી આવતાં લોકોને અટકાવવા જોઇએ. જેથી આ વિસ્તારોમાં સંક્રમણ અટકે અને કેસો પણ ઘટે.