Gujarat Rain Forecast:હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે 13 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 13 જિલ્લા અને સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ચાર , મધ્ય ગુજરાતના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે  તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.  


સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.  ગાજવીજ અને પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી છે.નોંધનિય છે કે, મંગળવારે રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો તો તો અન્ય 61 તાલુકામાં એક ઈંચથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.


અંબાલાલ પટેલે શું વ્યક્ત કર્યુ અનુમાન


17થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે.  ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 23.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો કચ્છમાં અત્યાર સુધીમાં 6.87 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 16.32 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


દેશના રાજ્યોમાં વરસાદનું તાંડવ


દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્ય પ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં  ભારે વરસાદનું અનુમાન છે.મૂશળધાર વરસાદથી ઉત્તરાખંડ પાણી પાણી થયું છે.  અનેક વિસ્તારમાં અસંખ્ય લોકોના ઘર પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયા.  કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની છત પર શરણ લેવા જવુ પડી રહ્યું છે  તો ચારેય તરફ જળબંબાકારથી જનજીવન પ્રભાવિત થયું છે.


ઉત્તરાખંડના પહાડો પર થતા ધોધમાર વરસાદથી શારદા નદીનું જળસ્તર વધ્યું છે. બનબસા શારદા બેરેજમાંથી મોટી માત્રામાં  નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.મૂશળધાર વરસાદથી અસમમાં તબાહી  સર્જાઇ છે. પૂર અને વરસાદી આફતમાં વધુ સાત સહિત અત્યાર સુધીમાં કુલ 79 લોકોના મોત નિપજ્યા છે.  પૂરને લીધે કેટલાક જિલ્લા હજુ પણ પ્રભાવિત છે સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક ગામડા ખાલી  કરાયા છે.સતત વરસી રહેલા વરસાદથી યુપીના પીલીભીતમાં શારદા અને દેવહા નદીનું જળસ્તર વધ્યું છે.. નદીકાંઠાના 12થી વધુ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.  રસ્તાઓ, ખેતરો અને લોકોના ઘરોમાં નદીના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે.મુસીબત બનીને ધોધમાર વરસાદ વરસતા પીલીભીતમાં જનજીવન પ્રભાવિત થયું છે.  ડીએમ આવાસ અને ઓફિસર્સ કોલોનીમાંપૂરના પાણી ઘુસ્યા છે. અધિકારીઓએ આવાસ ખાલી કરીને હોટલોમાં શરણ લીધી છે.  તો રોડ પર નદીઓ વહેતી હોય તેવા  દ્રશ્યો સર્જાયા  છે.  કેટલાક વાહનો પાણીમાં ડુબી ગયા છે..


બુલંદશહેરમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઇ છે.  જળબંબાકાર વચ્ચે ફસાતા સ્કૂલના બાળકોએ  મદદની ગુહાર લગાવી છે.બલરામપુરમાં  રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાપ્તી નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના કેટલાક ગામડાઓમાં પાણી ઘુસ્યા છે. ખેતરો અને ઘર બેટમાં ફેરવાઇ ગયા છે.યુપીના બલિયામાં સરયુ નદીનું જળસ્તર વધતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગોપાલનગર ટાંડી ગામમાં નદીના પાણી ફરી વળ્યાં છે.  પાકા મકાનો તોડીને લોકો સુરક્ષિત સ્થળ પર જવા  મજબુર બન્યાં છે.