ભૂજ: કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કચ્છ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 3000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છ કલેક્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.  વહીવટી તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે કૉસ્ટલ વિસ્તારમાં વરસાદ થોડો બંધ થયો છે એટલે જે પણ લોકોને સ્થળાંતર કરવા જેવું લાગે છે એ લોકોનું વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. માંડવીમાં આર્મી, NDRF સહિતની ટીમો લોકો માટે બચાવ કાર્ય કરી રહ્યું છે.  


કચ્છ જિલ્લામાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે અને 2 વ્યક્તિ હજુ લાપતા છે.  અબડાસામાં પણ હજુ પાણી ભરેલા છે એટલે ત્યાં પણ વહીવટી તંત્ર ખડે પગે છે,  ત્યાં પણ રેસક્યૂ ટીમ તૈનાત કરવામાં આવી છે.  અત્યારે માંડવી, અબડાસા,  લખપત વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે એટલે ત્યાં પણ લોકોને સાવચેતી માટે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. 


આવતી કાલે પણ કચ્છમાં એક દિવસ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવશે.  જ્યાં પણ લાઈટનો પ્રશ્ન છે તેના માટે પણ PGVCL અને UGVCL ની ટીમ કામ કરી રહી છે. માંડવી,  અબડાસામાં જ્યાં સુધી પાણી નહિ ઉતરે ત્યાં સુધી વીજળી પુરવઠો ખોરવાયેલો રહેશે. જેમ જેમ પાણી ઉતરી જશે એમ લાઈટની સમસ્યા દૂર થશે. મોબાઈલ નેટવર્કની સમસ્યા પણ આજ અથવા કાલ સુધી રાબેતા મૂજબ થઈ જશે.  


આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ


હવામાન વિભાગે જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે.  હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.  આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આજે મોરબી,રાજકોટ,જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ


આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.  45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બંદરગાહ ઉપર LC 3 નું સિગ્નલ આપવામાં આવ્યું છે . સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.