Debt on Gujarat Govt: ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4.12 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જે પૈકી સરકારી દેવાની રકમ 3 લાખ 25 હજાર 273 કરોડ છે.  કેગના રિપોર્ટ પ્રમાણે દેવું અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકના ઓડિટ વર્ષમાં સરકારે 43 હજાર કરોડની બજાર લોન લીધી છે.  જ્યારે 14 હજાર 700 કરોડ રૂપિયાની લોન ભરી છે.  31 માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 2 લાખ 83 હજાર 57 કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 1 લાખ 17 હજાર 751.56 કરોડનો વધારો કર્યો છે. જ્યારે 86 હજાર 170.83 કરોડ ભરપાઈ કરી છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત, ભવિષ્ય નીધી વગેરેમાં 24 હજાર 224.85 કરોડ, અન્ય જવાબદારીઓ મળીને કુલ 25 હજાર 353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.


નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સોમવારે જણાવ્યું હતું કે નિયમો મુજબ રાજ્યો તેમના જીડીપીના 27 ટકા લોન લઈ શકે છે જ્યારે ગુજરાતે માત્ર 15 ટકા લોન લીધી છે. રાજ્ય પર 3 લાખ 20812 કરોડનું દેવું છે, વર્ષ 2021-22માં સરકારે લોન સામે વિવિધ ધિરાણકર્તાઓને રૂ. 23063 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. ગુજરાત સરકાર પર કેન્દ્ર સરકારના ટેક્સ તરીકે રૂ. 9136 કરોડનું દેવું છે.


ગત નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે પેટ્રોલ પર રૂ. 12048 કરોડ, ડીઝલ પર રૂ. 26682 કરોડ, CNG પર રૂ. 389 કરોડ અને PNG પર રૂ. 126 કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. રાજ્યમાં, પેટ્રોલ પર 13.7 ટકા રાજ્ય કર વસૂલવામાં આવે છે જ્યારે ડીઝલ પર 14.9 ટકા રાજ્ય કર વસૂલવામાં આવે છે.


ગુજરાતના કાયદા પ્રધાન હૃષીકેશ પટેલે સોમવારે ગૃહમાં ગુજરાત અનધિકૃત વિકાસ સુધારણા બિલ રજૂ કરીને રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કહ્યું કે આ કાયદા દ્વારા ઓક્ટોબર 2022 સુધીના ગેરકાયદે બાંધકામોને જરૂરી ફી ભરીને નિયમિત કરી શકાશે.


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકાર પર આર્થિક વ્યવસ્થાપનમાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્ય પર 4.17 લાખ કરોડ રૂપિયાનું દેવું હશે. સરકારે મહેસૂલી આવકના 45 ટકા વ્યાજ, પગાર અને પેન્શન ચૂકવવા પાછળ ખર્ચવા પડે છે. સરકાર પર વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી વીજ સપ્લાયરોને કરોડો રૂપિયાનો નફો આપવાનો પણ આરોપ હતો.