Gujarat Rain: હવામાન વિભાગની આગાહીના (weather department forecast) પગલે રાજ્યના વાતાવરણમાં (Gujarat weather) પલટો આવ્યો છે. ઘણી જગ્યાએ વીજળીના (lighting) કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.


અમરેલીના બાબરામાં મહિલા ઘાયલ


અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બપોર બાદ ભારે પવન અને વીજળીના કડકા ભડકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.


સુરેન્દ્રનગરમાં ત્રણ લોકોનાં મોત


સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મુળીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્રણ લોકોના મોત થયા હતા. ચોટીલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું હતું. બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતકના નામ સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર રબારી (ઉ.વ. ૫૭ રે.ખાટડી મુળી) અને આશાબેન મનસુખભાઈ  (ઉં.વ.18 , મોકાસર) હોવાનું સામે આવ્યું છે.


પોરબંદરમાં બે લોકોનાં મોત


પોરબંદરના ગ્રામ્ય પંથકના શીશલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા(ઉં.વ.60) નું  તથા વડાળા ગામના બાલુભાઇ કારાભાઈ ઓડેદરા ( ઉ.વ.30)નું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આજે ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી ,ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલે અમદાવાદ ખેડા, આણંદમા વરસાદ રહેશે. મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે.