દાનહઃ ગુજરાત પાસેના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પાડીશી યુવકે બાળકીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બાળકી પર દુષ્કર્મની આશંકાને પગલે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ બાળકીની હત્યા અને લાશના ટુકડા મળતા બાળકીના પિતાએ દુઃખ સહન ન થતા ફીનાઇલ પી આપઘાત કરી લીધો છે. 


બાળકીના પિતાને તુરંત હોસ્પિટલ માં ખસેડાયા હતા. જ્યાં ઈલાજ દરમ્યાન બાળકીના પિતા નું મોત નીપજ્યું હતું. આમ, પિતા-પુત્રીના મોતને પગલે નરોલી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આરોપી પડોશમાં રહેતો હોય અને આવું દુષ્કૃત્ય કરશે એવુ કોઈને સપને પણ ખ્યાલ નોહતો. 


દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 4 વર્ષની બાળકી પર કથિત દુષ્કર્મની આશંકા સાથે પાડોશી ઇસમે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટના બની હતી. દાનહ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં બાળકી બપોરે ગુમ થયા બાદ રાત્રે તેની લાશ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.


4 વર્ષીય દીકરી શુક્રવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન તે બિલ્ડિંગ નીચેથી અચાનક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયાં હતાં. બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. જોકે, બાળકીનો કોઇ જગ્યાએ પત્તો ન લાગતાં આખરે પરિવારે નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. દાનહ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 


તપાસ દરમિયાન બિલ્ડિંગના ટોઇલેટની પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતાં તેને ઉતારી અંદર ચકાસણી કરતાં ગુમ બાળકીના લાશના ટુકડા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલા એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાતાં એ ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે રૂમની અંદર જોતાં ઠેરઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું, જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી હતી. 


આ ઇસમ અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો છે. તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઊંચકી લઈ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતાં મોત થઇ ગયા બાદ લાશના ટુકડા ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનો એક વ્યક્તિ દ્વારા દાવો કરાયો હતો.