વલસાડ: વલસાડના હાલર ચાર રસ્તા પાસે આંખોમાં આંસુ લાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમા એક 7 માસની બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો મોપેડ પર 18 વર્ષીય યુવતી તેની બહેન અને 7 મહિનાની બાળકીને લઈને વલસાડના એક ખાનગી હોસ્પિટલમાં જતા હતા. આ દરમિયાન એક ઇકો કારે મોપેડને ટક્કર મારતા 7 મહીનાની બાળકીનું મોત નિપજ્યું.આ બાળકીની જિંદગી શરૂ થાય તે પહેલા જ પુરી થઈ ગઈ.
હકિકતમાં ઇકો કારની ટક્કર લાગતા ત્રણેય રસ્તા પર પટકાયા હતા, જેમાં 7 મહિનાની બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે એક હોમગાર્ડ બહેન દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફુલ જેવી બાળકીનું મોત થયું હતું. આ અંગે વલસાડ સીટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીના મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે.
કોમ્પલેક્ષની પેરાફિટ ધરાશાયી થતાં 5 લોકો દટાયા, બેના મોત
સુરત શહેરના કતારગામમાં સુમુલ ડેરી રોડ પર કિરણ હોસ્પિટલની પાછળ આવેલ કોમ્પ્લેક્ષની પેરાફિટ ધરશાઈ થતાં 5 લોકો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પેરાફિટનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઝરીવાલા કમ્પાઉન્ડમાં બીજા માળની પેરાફિટ ધરાશાયી થઈ છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સેકન્ડ ફ્લોરની પેરાફિટ ધરાશાયી થતાં આ ઘટના ઘટી હતી. બે લોકોની હાલત ગંભીર છે. ત્રણ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
સુરતના ઝરીવાળા કમ્પાઉન્ડમાં બનેલી દુર્ઘટનાની વાત કરીએ તો ટેરેસની છત તોડી નવો માળ બનાવવાના હતા. ટેરેસની ગેલેરી તોડતી વખતે દુર્ઘટના બની. પાર્કિંગમાં છતની આખી દીવાલ પડી, જેમાં નીચે 5 લોકો દબાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. અહીં મ્બ્રોઇડરી અને જ્વેલરી કારખાના આવ્યા છે. 60 લોકોને રેસ્ક્યુ કરાયા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બપોરે 12.30 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. પાંચેક લોકો છત નીચે દટાયા હતા. બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, તે મુર્છિત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂમાં જોડાયા હતા. છત ધરાશાયી થતાં અફરા-તફરી મચી ગઈ હતી. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. બહાર કાઢેલા લોકોને કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇમારતનો ભાગ જર્જરિત જાણવા મળ્યું છે. તેના રિપેરિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું હતું.