ગુજરાતમાં નકલી બિયારણના વેચાણ મામલે ભાજપના સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો.  ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી બેફામ બીજ માફીયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નકલી બિયારણથી ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની વાત પણ તેમણે કરી હતી.


કેન્દ્ર અને રાજ્યના કૃષિમંત્રીને લખેલા રામભાઈ મોકરિયાના પત્રમાં બીજ માફિયાઓ કેટલા બેફામ થયા છે તેનો પણ ખુલાસો થયો છે. નકલી બિયારણના વેપારના કારણે ખેડૂતોને પારાવાર નુક્સાન થતું હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


નકલી બિયારણ વેચાણ કરનારા વેપારી સામે કડક પગલા લેવાની માંગણીની સાથે ખેડૂતોને નુક્સાનથી બચાવવાની અપીલ પણ કરવામાં આવી છે. રાજ્યમાં બિયારણની અનેક બ્રાન્ડનું ડુપ્લીકેશન તેમજ અન બ્રાન્ડેડ બિયારણ વેચાતું હોવાનો અત્યાર સુધી તો કૉંગ્રેસના નેતાઓ આરોપ લગાવતા હતા. પહેલીવાર ભાજપના દિગ્ગજ નેતાએ ખેડૂતોના હિતમાં પત્ર લખી કૃષિ વિભાગની નિષ્ફળતાની ઉજાગર પણ કરી છે. સસ્તું બિયારણ મેળવવાની લાલચમાં ખેડૂતો છેતરાતા હોય છે અને નકલી બિયારણ વાવેતર બાદ પૂરતું ઉત્પાદન ન મળતા ખેડૂતોની સીઝન નિષ્ફળ જાય છે.


શિયાળું પાકના વાવેતરને લઈ બિયારણની ખરીદીની સીઝન છે. ત્યારે નકલી બિયારણના ઉત્પાદકો અને વિક્રેતાઓ વિરુદ્ધ નામ પૂરતી જ કાર્યવાહી થતી હોવાની ચર્ચા પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. બીટી કપાસ સહિતના નકલી બિયારણ મુદ્દે કૉંગ્રેસના મનહરભાઈએ આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ રામભાઈ મોકરિયાના પત્રને આવકાર્યો હતો.


રામ મોકરિયાએ કહ્યું હતું કે બીજ માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કૃષિ કાયદામાં જોગવાઈ પણ કરવી જોઈએ. નકલી બિયારણ વિરુદ્ધના કાયદામાં સુધારાની પણ સાંસદે માંગ કરી હતી. મોકરિયાએ કહ્યું હતું કે બીજ માફીયાઓને પકડો અને તેમને જેલ ભેગા કરો. બીજ વેપારીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. નકલી બિયારણ મળતું હોવાનો મને પણ અનુભવ થયો છે.


વધુમાં રામ મોકરિયાએ કહ્યું કે નકલી બિયારણથી નુકસાન થતું હોવાની ફરિયાદ મળી છે. સરકારી યોજનાઓ બાદ પણ નકલી બિયારણથી નુકસાન થાય છે. કેટલાક વેપારીઓ સર્ટીફાઈડ નકલી બિયારણ વેચે છે. નકલી બિયારણના કારણે ખેડૂતોને ખર્ચ માથે પડે છે.