સુરેન્દ્રનગર: ગુજરાતમાં દારુબંધી તો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છાસવારે દારુ પીવાના અને વેચવાના કિસ્સા સામે આવતા રહે છે. આ ઉપરાંત દારુના નશામાં ડ્રાઈવિંગ કરી અકસ્માત કરવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. દારુને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ ક્યારેય કોઈ નક્કર કાર્યાવાહી કરવામાં આવતી નથી.


આજે ફરી એકવાર દારુ વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, આ વખતે સત્તાપક્ષ ભાજપના જ નેતા દારુ વેચતા ઝડપાતા અનેક રાજકારણ ગરમાયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપના કોર્પોરેટર વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.


વોર્ડ નંબર ૮ ના ભાજપના સભ્ય વિશાલ જાદવ વિરૂધ્ધ સુરેન્દ્રનગર LCB પોલીસે બી-ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ભાજપ સભ્ય વિશાલ જાદવ પોતાના ઘર પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. સભ્ય વિશાલ જાદવના ઘરના ઓટલા પાસેથી ઇંગ્લિશ દારૂની ૧૬ બોટલો મળી આવી હતી. જો કે, રેડ સમયે વિશાલ જાદવ હાજર ન હતો. LCB પોલીસ ટીમે કરેલ રેડમાં માત્ર બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો પરંતુ ભાજપનો સભ્ય ન ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.


ઓનલાઈન રમી જુગારમાં લાખો રૂપિયા હારી જતા યુવકે કરી લીધી આત્મહત્યા


પંચમહાલ: ઓનલાઈન રમી જુગાર અને મોબાઈલ ગેમને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. આ લતમાં યુવાનો એટલા બધા ખોવાઈ જાય છે કે ઘણીવાર હિંસા પર ઉતરી આવે છે અને ઘરના સભ્યો પર હુમલો પણ કરી બેસે છે. એવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં યુવાનોએ ગેમની લતમાં પોતાના જ માતાપિતા પર જીવલેણ હુમલો કર્યો હોય. આ ઉપરાંત ઘણા કિસ્સામાં યુવાનોએ આવી રમતમાં લાખો રૂપિયા પણ ગુમાવ્યા હોય.


આવી ઘટમા સામે આવી છે કાલોલ ખાતે. અહીં ઓનલાઈન રમી જુગારમાં 3 લાખ હારી જતા યુવકે આત્મહત્યા કરી લીધી છે. કાલોલ તાલુકાના બાકરોલ રેલવે કોલોની પાસે આ ઘટના બની છે. યુવકે આત્મહત્યા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાઁ આવ્યો છે. ઓનલાઈન ગેમમાં 3 લાખ રૂપિયા હારી ગયાનો ઉલ્લેખ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવકે બારીની ગ્રીલ સાથે દોરડુ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગોધરા રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.