ગીર સોમનાથ: છેલ્લા બે દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. ગામમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને કોઈ હેલ્થ ઈમરજન્સીના કેસમાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. આવી જ ઘટના સામે આવી છે ઉનામાં.
ઉના ખત્રી વાડા ગામે એક ગર્ભવતી મહિલાને ગામ લોકો અને હેલ્થ કર્મીઓના પ્રયાસોથી મહામહેનતે સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તેજલ બેન પ્રતાપભાઈ રાઠોડ નામની મહિલા ગર્ભવતી હતી. જે બાદ આજે તેમને અચાનક લેબર પેઈન ઉપડ્યું હતું. જો કે આ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાને કારણે ગામના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. જેને કારણે 108 ગામમાં પ્રવેશી શકે તેમ નહોતી. ખત્રીવાડા ગામને ચારે બાજુ નદીના પુરે ઘેરી લીધું હતું.
ખત્રીવાડા ગામને ચારે બાજુ રુપેણ નદીનું પાણી હોવાના કારણે તથા નદી ઉપર કોઈ પણ જાતનો પુલ ન હોવાને કારણે તેજલબેન રાઠોડને હોસ્પિટલે ખસેડવામાં મુશ્કેલી પડી રહી હતી. જો કે, આવા ઈમરજન્સીના સમયે ગામના યુવાનો તથા સરપંચ તથા સનખડા ગામના યુવાનો, ઉનાના પીઆઈ તથા પોલીસ સ્ટાફ મળીને ચાર પાઈની મદદથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
108 કર્મચારી, ઉના પીઆઇ અને પોલીસ ટીમ તેમજ ગામ આખાના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.રૂપેણ નદીના ધસમસતા પ્રવાહમાં આખા ગામના યુવાનો અને પોલીસ ખડે પગે ઉભા રહી ગયા હતા અને આખરે આ મહિલાને દોરડાં બાંધી ચાર પાઇની મદદથી બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે ટ્રેકટરની મદદથી પાણીથી દુર લઈ જવાયા અને 108 મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
ગીર સોમનાથના આ ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા 18 ગામોને કરાયા એલર્ટ
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા છે. નદીઓ બે કાંઢે વહેવા લાગી છે. ગીર સોમનાથ વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે અનેક ડેમોમં નવા નીર આવ્યા છે. ગીર જંગલને વરસાદે ધમરોડતા રાવલ ડેમના 6 પૈકીના ચાર દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 18 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્રારા અલર્ટ કરવામાં આવ્યા છે. નીચાળવાળા ગામના લોકોને રાવલ નદીના પટમાં ન જવા સુચના અપાઈ છે. રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. રાવલમાં વરસાદી પાણીની આવક થતા ઉના ગીરગઢડા તથા દીવ જીલ્લાની જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાવલ ડેમ ઉના, ગીરગઢડા તથા દીવ જીલ્લાની પીયત પાણીની જીવાદોરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial