Degree Engineering Admission Process: ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ વર્ષે પ્રથમવાર એપ્રિલમાં જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જવાની છે. જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર ગુજકેટ પુરી થયાના એક દિવસ બાદ જ બીજી એપ્રિલથી ડિગ્રી ઈજનેરી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પ્રક્રિયા 15મી મે સુધી ચાલવાની છે. ત્યાર બાદ 13 જૂને પ્રથમ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટ કરવામાં આવશે અને 20મી જૂનથી શૈક્ષણિક શત્ર શરૂ કરવામાં આવશે.


ડિગ્રી ઈજનેરી એટલે કે BE- B.Techમાં દર વર્ષે મે મહિનાથી જૂન મહિના સુધી એડમીશન પ્રોસેસ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકારની સૂચનાથી દોઢ મહિના પહેલા જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એડમિશન કમિટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ બીજી એપ્રિલથી ડિગ્રી ઈજનેરી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે જે 15મી મે સુધી ચાલશે. ત્યાર બાદ 28મી મેએ કોલેજો અને બેઠકોની ફાઈનલ યાદી જાહેર થશે. આ ઉપરાંત એ જ દિવસે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર પણ જાહેર કરવામાં આવશે અને ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટેનો પ્રેક્ટિસ રાઉન્ડ એટલે કે મોક રાઉન્ડ શરૂ થશે. 5 જૂને મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.


ફાઈનલ મેરિટ બાદ 5 જુનથી 10 જૂન સુધી પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થશે. 13મી જુને પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ૨૦મી સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. 20મી જુનથી જ ડિગ્રી ઈજનેરી કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પ્રવેશ કેન્સલ કરવા માંગતા હોય તો તેઓ 16 જુનથી 20 જુનની વચ્ચે કેન્સલ કરાવી શકશે. ત્યાર બાદ 22મી જુને પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો જાહેર કરાશે.


મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર એપ્રિલમાં જ ડિગ્રી ઈજનેરી ઓનલાઈન એડમીશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવનાર છે અને ગુજકેટ અને 12 સાયન્સના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ સીટ નંબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટ્યા છે ત્યારે ખાલી બેઠકો વધે તેવી શક્યતા છે.