લગ્નમાં અને સામાજિક મેળાવડા બાદ ફરી વધી શકે છે કોરોનાનું સંક્રમણ. આવી ચિંતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ વ્યક્ત કરી છે. દિવાળી બાદ કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે લગ્નની સીઝન બાદ કોરોના ફરી માથું ઊંચકી શકે છે.


રાજ્ય સરકારે 100 મહેમાનોની હાજરી સાથે લગ્ન કરવા મંજૂરી આપી છે પણ તબીબોના મતે સામાજિક મેળાવડા સમયે લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ભૂલી જતા હોય છે. આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ફરી ગૃપ ટ્રાન્સમિશનના ભાગ રૂપે પ્રસરી શકે છે.

આ સિવાય પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર મહેમાનો પૈકી કોઈ પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હશે તો એક જ સ્થળે 80 થી 100 લોકોના સીધા સંક્રમણ ફેલાવવાની દહેશત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1477 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,804 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,11,257 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1547 દર્દી સાજા થયા હતા અને 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,26,940 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 188 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.