Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિ અનુભવી રહ્યા છે. માવઠા બાદ હવે હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 જાન્યુઆરી 2025 સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. પરંતુ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર જોવા મળી રહી છે, જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ પરિસ્થિતિના કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો ચમકારો વધશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે, જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ, 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધુ વધશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી સુધી ઠંડી નોંધાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
કમોસમી વરસાદ અને ત્યારબાદ ઠંડીના આગમનથી ખેડૂતો પાકને લઈને ચિંતિત છે અને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
દિલ્હીમાં વરસાદે 101 વર્ષનો રેકોર્ડ તોડ્યો
દિલ્હીમાં શનિવારે 41.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 101 વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને હવાની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનામાં આટલો વરસાદ 101 વર્ષ પછી થયો છે. આ પહેલાં 3 ડિસેમ્બર 1923ના રોજ દિલ્હીમાં 75.7 મીમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે દિલ્હીમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. અત્યાર સુધી હળવી ઠંડી હતી, પરંતુ હવે તીવ્ર ઠંડી શરૂ થવાની આગાહી છે. વરસાદમાં ભીના થવાના કારણે લોકોમાં બીમાર પડવાનું જોખમ પણ વધી ગયું છે.
આ પણ વાંચો....