Ambalal Patel weather forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે. ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, તે ઉત્તર ગુજરાતથી ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાથી તેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ રહી હોવાને કારણે આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ આજે આખો દિવસ હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે, જેથી ઘરની બહાર નીકળતી વખતે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
અત્યારના વરસાદ બાદ થોડો વિરામ મળશે તેવું વિચારતા લોકો માટે અંબાલાલ પટેલે વધુ એક મહત્ત્વની માહિતી આપી છે. તેમની આગાહી પ્રમાણે, રાજ્યમાં 9 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવવાની તૈયારીમાં છે. ખાસ કરીને 9 થી 11 ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ફરીથી ધડબડાટી બોલાવશે અને ત્યાં ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં સક્રિય ડીપ ડિપ્રેશન હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સહિતની ચાર સિસ્ટમ્સ સક્રિય હોવાથી આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે.
આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ૧૨ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને ૫ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, છતાં ૮ જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૬૪.૭૬ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
