ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે  12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એકિટીવિટી શરૂ થશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે શરૂ પ્રીમોનસૂન એક્ટિવિટી થશે.  ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં  વરસાદ પડી શકે છે.  રાજ્યમાં મંગળવારથી ગરમીનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 20 એપ્રિલ બાદ 43 ડિગ્રી તાપમાન જઇ શકે છે.  હાલ તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.     


હવામાન વિભાગે બપોરના સમયે જરૂરી કામ વિના ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો પરેશાન થયા છે.  ભારે તાપથી બચવા માટે લોકો લીંબુ સોડા,વિવિધ શરબત સહિતના ઠંડાપીણાનું સેવન કરી રહ્યા છે. લોકો ગરમીથી બચવા ડુંગળીનું સેવન કરે,બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે તેવી તબીબોની સલાહ છે. 


સુરતમાં આજે ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો હતો. બપોરના સમયે આકરા તાપ અને કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, લીંબુ શરબતનો  સહારો લઈ રહ્યા છે. તબીબોએ શરીર કવર કરી બહાર નીકળવા સૂચના આપી છે.   


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. આ પાંચ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. તાજા રિપોર્ટ પ્રમાણે, આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં લૂ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આઠ શહેરોનું મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીને પાર રહેવાનું પણ અનુમાન છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલીમાં 38.8 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે. 12 એપ્રિલ સુધીમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે.


ઉનાળામાં હીટ વેવને કારણે ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સમયાંતરે પાણી પીતા રહો, જેથી શરીર હાઇડ્રેટ રહે. આ સિઝનમાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial