Amreli News:  ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની દરિયાઈ બોર્ડરમાં સાવજને લઈ બે ઘટના સામે આવી છે. રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌ પ્રથમ ઘટના જાફરાબાદ દરિયા કિનારે બની છે. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો છે. વનવિભાગે મૃતદેહ કબજે લીધો હતો. જ્યારે ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાં સિંહબાળ ફસાયું હતું. જેનું રેસ્ક્યુ કરી વનવિભાગે બચાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં હવે સિંહો ગીર જંગલ ગ્રામ્ય વિસ્તાર બાદ હવે દરિયા કિનારે અવર જવર વધતા વનવિભાગ ચિંતિત છે.


રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા.  છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. 115 કરોડ અને રૂ. 162 કરોડ મળીને કુલ રૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં કુદરતી અને અકુદરતી ઉપરાંત વિવિધ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અકુદરતી મોતને ભેટેલા સિંહોની સંખ્યા 9, સિંહણ 12 અને 8 સિંહબાળના મોત નિપજ્યાં છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસે 31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ રૂ. 2 કરોડની સહાય આપવામાં આવી હતી, જેમાંથી રૂ. 84૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.  


કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના લેખિત ઉત્તરમાં વનમંત્રીએ જણાવ્યું છે કે, ગીરના જંગલમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની હત્યાના કેસમાં ગુનેગારો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. મુખ્યત્ત્વે સિંહોના અવરજવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે સિંહમિત્રોની નિમણૂક કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ માટે રેપિડ એક્શન ટીમની રચના કરી છે.  સિંહોને રેડિયોકોલર પહેરાવીને મૂવમેન્ટ પર નજર રખાય છે. આ સાથે વાહન, હથિયાર, વોકીટોકી સાથેની ક્ષેત્રિય ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરાય છે.



રાજુલાના ચારનાળા નજીક પેટ્રોલપંપની અંદર સિંહ શિકાર કરવા  ઘૂસ્યો


રાજુલાના ચારનાળા નજીક પેટ્રોલપંપની અંદર સિંહ શિકાર કરવા ઘૂસ્યો હતો. સીતારામ પેટ્રોલપંપમાં સિંહ અંદર આવતા ગાયે સિંહ સામે બહાદુરી બતાવી પાછળ દોડી હતી. સિંહ ગાયનો શિકાર કરી શક્યો નહોતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.