મહીસાગર: લુણાવાડા ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે. સાથે જ લુણાવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
કોંગ્રેસના ટોચના મહિલા નેતાના પુત્રનો મૃતદેહ મળતાં ચકચાર
અમદાવાદમાં કોંગ્રેસના ટોચના મહિલા નેતાના પુત્રનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગરના મહિલા કોર્પોરેટર, કોંગ્રેસ નેતા કામિનીબેન ઝાના પુત્ર રાજેશ ઝાનો નરોડા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગતરોજ નરોડા કેનાલમાંથી રાજેશ ઝાના મળેલા મૃતદેહ મામલે રાજેશે આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
રાજેશ ઝાને સટ્ટો રમવાની ટેવ હોય, આ બાબતે સામે પક્ષે ઉઘરાણી કરતા અને પરિવારને જાણ કરવાની ધમકી આપતા લાગી આવતા રાજેશે આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજેશે ગુરુવારે આપઘાત કર્યો અને શુક્રવારે મૃતદેહ મળી આવ્યો હતો. નરોડા પોલીસે આ અંગે વધુ તાપસ હાથ ધરી છે.
સોલા બ્રિજ પર અકસ્માત,દંપત્તિનું મોત
અમદાવાદ શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપત્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને ટક્કર લાગતા સવાર દંપત્તિ પુલ પરથી નીચે પટકાયા હતા જેમાં બંન્નેનું મોત થયું હતું. તો અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકનું નામ દ્રારકેશભાઈ અને જુલીબેન હોવાની માહિતી મળી છે અને તે ચાંદખેડા વિસ્તારના રહેવાસી હતા.